જામના ઘૂંટને પી ઘૂંટીને તરસ તરસી ઘૂંટાઈ જાય ,મુકુલ દવે “ચાતક”

જામના    ઘૂંટને    પી    ઘૂંટીને    તરસ   તરસી    ઘૂંટાઈ   જાય ,
ધીમે   ધીમે   ઘૂંટ   પી   સદા   ઝેર   જીરવી       પૂજાઈ     જાય ,

કાચના   ટૂકડા   છબીના  કર્યા   ભેગાં મળ્યાં  અનેક  પ્રતિબિંબ ,
કયો  ચહેરો  એમનો  પૂછું,  તિરાડોને   છળ  કરી  છુપાઈ  જાય ,

મળ્યો   ના  ક્યાંય   ખોવાયેલો   ઈશ્વર  પ્રગટાવવા   માનવમાં ,
જ્યાં  હોવો જોઈએ  ત્યાં હોય  નહીં, દેવાલયમાં કોતરાઈ  જાય ,

તું   જ  પાંગરતા  પ્રેમપ્રવાહમાં મુમતાઝ ને તાજમહેલ પણ તું ,
ડૂબો તમે પ્રણયની પરાકાષ્ઠામાં ખુદમાં શાહજહાં જીવાઈ જાય ,

સદા  ચાતક”  તારું   હૃદય  ભીતર  અવિરત  વલોવાયેલું   રહે ,
જે    ઝેર   મંથાયું    માંહ્યલામાં  અમૃત   બની   પડઘાઈ   જાય ,

મુકુલ દવે “ચાતક”

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*