ફૂલોનાં  સ્મિત  કેવા મોસમ સુધી રહે  છે
ફૂલોનાં જખ્મ ગણવા અત્તર સુધી તો જા  …………….ભાસ્કર ભટ્ટ

પ્યાસ સાચી હોય તો મૃગજળને શરમાવું પડે
હોય  જો પીનાર તો ખુદ ઝાંઝવાં છલકાય  છે  ………..સૈફ પાલનપુરી

અસલ વસ્તુને કેવળ હોય છે વળગાડ કાસ્ટોનું
કદી નકલી ગુલાબોમાં અમે  કાંટા  નથી જોયા  ………….જલન માતરી

તું  ભલે  ને  ભેટમાં  આપે  નદી
કોણ ઊછીની પછી આપે તરસ  ……ધ્વનિલ પારેખ

કોણ  જાણે કેટલાં વર્ષો  થયાં
યાદનાં એ છોડવા વૃક્ષો થયાં  ……….દક્ષા દેસાઈ

લાગણીની એટલી લાગી તરસ
કે   હશે  આંસુ  મગરના ચાલશે  ……..કરસનદાસ લુહાર

માત્ર મળીને એટલો સંબંધ  છે
દ્વાર ખુલ્લા છે અને ઘર બંધ છે  ………શ્યામ સાધુ

અહીં  કોણ  ભલાને  પૂછે  છે.  અહીં  કોણ બુરાને પૂછે  છે  ?
મતલબથી બધાને નિસ્બત છે.અહીં કોણ ખરાને પૂછે  છે ?
અત્તરને  નિચોવી   કોણ  પછી  ફૂલોની  દશાને પૂછે   છે ?
સંજોગ  ઝુકાવે  છે  નહિતર  અહીં  કોણ  ખુદાને પૂછે   છે ?  …….કૈલાસ પંડિત

પહેલાં સંબંધ વચ્ચે કોઈ ભીંત બાંધીએ
એ  તોડવા  માટે પછી  માથું  પછાડીએ  ……….જવાહર બક્ષી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *