બાળપણના ભાઈબ્હેન સાથેનું ભોળપણ માંગું ,ચાતક

બાળપણનાં   ભાઈબ્હેન    સાથેનું     ભોળપણ  માંગું
એક રક્તના      આધાર    સાથેનું     સગપણ   માંગું ,

ખુલ્યાં    દ્વાર   ને  ઊડ્યાં     પોતપોતાના   પિંજરમાં ,
પિંજરની કેદ તોડી નીલાકાશે ઊડવા બાળપણ માંગું ,

હિસ્સામાં વહેંચાઇ   ગયાના પથારીમાં તીર  ભોંકાય ,
પારણાંના  હાલરડાં ને   બાના  ખોળાની  ક્ષણ  માંગું ,

પાંખો  આવી   સૌ   ઊડ્યાં, અહંમના  આકાશ   જુદાં ,
એ   નિર્દોષ   ધિંગાણું    ને  ડૂસકાંનું  સંભારણ  માંગું ,

ભીંતના       ફોટાની    કોરી   આંખો    ભીંજવ્યા  કરે ,
પરી  વાર્તા , સંતાકૂકડી, બાની  સુખડી   પણ  માંગું ,

તોળાય  સંબંધો   ને   પ્રેમ  આપ   લેના  ત્રાજવાથી,
કાકામામાના  ઘર    સંગ   વેકેશનનું   સ્મરણ  માંગું ,

ઘર, ગલી, આંગણ  ને ગામ સ્મરણનો અંજામ જુઓ ,
ભાઈબ્હેન  સ્કૂલમાં ગયાં, શું ભણ્યાનું  ડહાપણ માંગું ,

કલબલ  આંગણ  ને   કલરવોના  ટહુકા   ક્યાં  ગયાં ,?
“ચાતક” શૈશવનું , ભોળપણ  ગયું  તેનું  કારણ માંગું

મુકુલ દવે “ચાતક”

  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*