વિદાય વેળા કફનના ચીંથરા ના બાંધીશ ચહેરો સજાવી જોજે ,મુકુલ દવે “ચાતક”

વિદાય વેળા કફનનાં ચીંથરાં ના બાંધીશ ચહેરો  સજાવી  જોજે ,
જિંદગીની  કિતાબ  ખુલ્લી  છે, એક  બે પાનાં  ઊથલાવી   જોજે ,

 ચિર   શાશ્વત     શાંતિની   નિઃશબ્દ્તાની   શૂન્ય   સ્તબ્ધતામાં ,
નસેનસ  પાંગરે  સ્મરણના પડઘા    બેચાર  ફૂલ  ચઢાવી  જોજે ,

વલખાઉં   છું   શૂન્ય    ભાસતા   તારા   પ્રતિબિંબની  ઝંખનામાં ,
હુંશાતુંસીના    ટોળાથી  દૂર  રહી  ચહેરો   ચૂમી   દીપાવી   જોજે ,

મારા    શ્વાસોમાં   સદાય   શ્વસતી   તારી   ખુશ્બૂ  માણી  તો  જો ,
ગુલાબ   જેવા   કોમળ   હાથથી   જખ્મો  સ્પર્શી  સહેલાવી જોજે ,

મારા  નશ્વર  દેહમાં  તારી પ્રતીક્ષાની  ધડકન  સાંભળી  તો  જો,
ઊમટેલા    આંખોના      પ્રીતસમુંદરમાં   ખુદને   ડૂબાવી   જોજે

અંદરની   એષણાઓ   સતત   સાત   જન્મથી   ભડકે   બળે   છે ,
અવઢવ જિંદગીમાં  હાથતાળી  ભલે આપી  પ્રીત  મિટાવી જોજે ,

મારી   દીવાનગીના  દીવાનો  પ્રકાશ   વ્યાપ્ત   હશે   દૂર    દૂર,
જન્મફેરામાં  વિશ્વાસ    હોય    “ચાતક”   પ્રીતને  જન્માવી જોજે ,

મુકુલ દવે “ચાતક”

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*